<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> <style> </style></head><body><div class="main"> <div class="gtitlev3"> આજ સખી આનંદની હેલી </div><div class="gpara"> પદ-1<br/> આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી;<br/> મહા રે મુનિના ધ્યાનમાં ના’વે, તે રે શામળિયોજી મુજને બોલાવે...<br/> જે સુખને ભવ બ્રહ્માદિ રે ઈચ્છે, તે રે શામળિયોજી મુજને રે પ્રીચ્છે;<br/> ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી...<br/> તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડાં રે માણું;<br/> જેરામ કહે, સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વા’લો અઢળક ઢળિયા..<br/><br/> પદ-2<br/> મહેર કરી મારે મંદિરે આવ્યા, થાળ ભરીને મોતીડે વધાવ્યા;<br/> આનંદ અંગ ન માય મારી બેની, હરિવર ભેટતાં લજ્જા રે શાની? 1<br/> દુરિજન મન રે માને તેમ કહેજો, સ્વામીજી મારા રુદિયામાં રહેજો;<br/> જે રે જોઈએ તે માગજો માવા, ત્રિકમ તમને હું નહિ દઉં જાવા.2<br/> મુખથી તે ઝાઝું હું શું કહી દાખું, હરિવર મારા રુદિયામાં રાખું;<br/> કોણ રે પુણ્યે હું હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી. 3<br/> <br/> પદ-3<br/> પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા રે ત્યારે;<br/> નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણ કામ થયાં મારાં ત્યારે. 1<br/> પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદરવર મનડે રે ભાવ્યા;<br/> નીરખી નારાયણ-મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે. 2<br/> કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતાં સુંદર ખાડા પડે છે ગાલે;<br/> કાનુમાં કુંડળ મકરાકાર શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે. 3<br/> <br/> પદ-4<br/> શિર પર કેશ શોભે અતિ સારા, મોહનવર મારી આંખોના તારા;<br/> ભૃકુટિ કુટિલ શોભી રહી સારી, જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી. 1<br/> હાર હૈયામાં પહેર્યા વનમાળી, ભ્રમર આવે તીયાં સુગંધ ભાળી;<br/> બે સ્તન શ્યામ શોભે અતિ સારા, જાણે ઊગ્યા આકાશમાં તારા. 2<br/> નાભિ નૌતમ ઊંડી છે ભારી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી;<br/> જાનું જુગલ શોભે અતિ સારા, જેરામ કહે દેખે દાસ તમારા. 3<br/> <br/> </div> <div class="chend"> ***** </div> <!-- --> </div> <!--main--> </body></html>