અનુભવી આનંદમાં બ્રહ્મરસના
પદ - 1
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,
જીવનમુક્ત જોગીયા અંતર અરોગી રે... અનુ ટેક0
જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,
મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે... અનુ01
જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,
તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે... અનુ02
જે વડે આ જકત છે તેને કોઈ ન જાણે રે,
મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે... અનુ03

પદ - 2
અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
અંતરજામી ઓળખ્યા ત્યાં લગની લાગી રે... અનુ01
ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,
જક્ત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે... અનુ02
ચૌદલોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે... અનુ03
અષ્ટસિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે,
મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે... અનુ04

પદ - 3
અનુભવીને અંતરે રહે રામ વાસે રે,
જે બોલે જે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રે... અનુ01
જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,
ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે... અનુ02
કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે,
તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રે... અનુ03
હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,
મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે... અનુ04

પદ - 4
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,
પ્રીત કરી પરબ્રહ્મ શું ભવમાં ન આવે રે... અનુ0ટેક
મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,
પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રે... અનુ01
વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,
તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે... અનુ02
બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,
એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રે... અનુ03
કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા રે,
મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયાં રે... અનુ04
*****