જોઈ મૂરતિ મનોહર તારી
પદ - 1
જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં ટેક0
મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી...માવા રે 01
હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી...માવા રે 02
અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી...માવા રે 03
બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી...માવા રે 04

પદ - 2
તારી લાવણમાં લોભાણી, વા’લા રે મારા નવલ વિહારી ટેક0
મૂરતિ મનોહર જોઈને તારી, ભૂલી હું ભરવું પાણી...વાલા રે 01
પૂરણ ચંદ્ર સરીખું રે મુખડું, ભ્રકુટિમાં ભરમાણી...વાલા રે 02
છોગલિયે ચકચૂર થઈ છું, ડોલરિયા વ્રજદાણી...વાલા રે 03
બ્રહ્માનંદ કહે જોઈ તારાં નેણાં, વેણાંમાં વેંધાણી...વાલા રે 04
*****