પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા
પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાતદિવસ હૃદે ભાવું રે;
તપ તીરથ વૈકુંઠ પદ મેલી, મારા હરિજન હોય ત્યાં હું આવું રે...ટેક 0
ગજને માટે હું તો પાળો રે પળીયો, મારા હરિજનની સુધ લેવા રે;
ઊંચ નીચ હું તો કાંઈ નવ જાણું, મુને ભજે તે મુજ જેવા રે.... પ્રાણ 01
અંબરીષ રાજા મુને અતિ ઘણા વા’લા, દુર્વાસાએ માનભંગ કીધું રે;
મેં મારું અભિમાન તજીને, ચક્ર સુદર્શન વાળી લીધું રે... પ્રાણ 02
લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે;
અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા, કોટિ કાશી રે... પ્રાણ 03
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે ત્યાં હું જાગું રે;
જે મારા સંતની નિંદા કરે છે, તેના કુળ સહિત હું ભાંગું રે... પ્રાણ 04
મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે;
એકવાર મુને જો વૈષ્ણવ બાંધે, તે બંધન મેં ન છૂટે રે... પ્રાણ 05
બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું,
ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે;
એવા હરિજનથી ક્ષણ નહિ અળગો, ભણે નરસૈયો પદ સાચું રે... પ્રાણ 06
*****