મહાબળવંત માયા તમારી
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે...01
વળી તમારે વિષે જીવન, ના’વે મનુષ્યબુદ્ધિ કોઈ દન;
જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ...02
સત્સંગી જે તમારા કહાવે, તેનો કે’દી અભાવ ન આવે;
દેશ કાળ ને ક્રિયાએ કરી, કે’દી તમને ન ભૂલીએ હરિ...03
કામ, ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
તમને ભજતાં આડું જે પડે, માગિયે એ અમને ન નડે...04
એટલું માગિયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે;
વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ...05
કે’દી દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન;
કે’દી કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો...06
કે’દી દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ;
દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ...07
દેશો મા દેહ સુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ;
દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ...08
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય;
એ આદિ નથી માંગતા અમે, દેશો મા દયા કરીને તમે...09
પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર;
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ...10
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ;
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત...11
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા...(2)
*****